પહેલાં થોડી વાત આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિવસ વિશે કરી લઈએ. દર વર્ષે ૨૧ ફ્રેબ્રૂઆરીના રોજ આંતરાષ્ટ્રિય માતૃભાષા દિવસની ઊજવણી કરવામાં આવે છે. માતૃભાષાને ઉજવવાનો હેતુ ભાષા પ્રત્યે જનતાજનારદન અને ખાસ તો નવી પેઢીમાં પોતાની માતૃભાષા અને સંસ્કૃતિ પ્રત્યે સજાગતા વધારવાનો છે. સાંસ્કૃતિક અને ભાષાકિય વૈવિધ્યને પ્રોત્સાહ્ન આપવા માટે આ દિવસ મનાવાય છે. સૌ પ્રથમ ૧૭ નવેમ્બર ૧૯૯૯ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમે જ યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૦૮ના વર્ષને ભાષાઓના આંતરાષ્ટ્રિય વર્ષ તરીકે ઠરાવવામાં આવ્યો હતો. આમ કરવા પાછળનું કારણ બાંગ્લાદેશે પોતાની માતૃભાષા માટે કરેલી પહેલનું હતું. બાંગ્લાદેશીઓએ પોતાની માતૃભાષા બાંગ્લા માટે લડ્યા હતા એના કારણે એ વર્ષને આંતરરાષ્ટ્રિય દરજ્જો આપવામાં આવ્યો હતો.
હવે આપણી માતૃભાષા ગુજરાતી વિશે વાતો કરીએ. ગુજરાતીઓની સંખ્યા જોવા જઈએ તો અંદાજે સાડા પાંચ કરોડની છે. એમાં મોટા ભાગે ગુજરાત રાજ્યમાં ગુજરાતીઓ વસે છે અને એ સિવાય કંઈ કેટલાક લાખ લોકો બીજા રાજ્યોમાં પણ વસે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં કંઈક 23 લાખ ગુજરાતીઓ વસે છે. જ્યારે કે મધ્યપ્રદેશ, તામિલનાડું અને કર્ણાટકામાં અંદાજે બે લાખ જેટલા ગુજરાતીઓ વસે છે. વધુ માહિતી માટે તમે અહીં પ્રકાશિત કરેલો ચાર્ટ જોઈ શકો.
૨૧મી સદીની શરુઆત ગુજરાતીઓ માટે ફળી છે. ૨૦૦૦ અને ૨૦૧૧ના દસકામાં ભારતમાં ગુજરાતી બોલતા લોકોની ટકાવારીમાં આશરે ૨૦.૪૦% નોંધાઈ હતી. એનો એ અર્થ થયો કે આશરે ૯૪,૦૦,૯૩૭ ગુજરાતી બોલતા લોકોની વસતિ સદીના પહેલા દસકામાં વધી છે. પાછલા બે દાયકામાં સતત ઘટાડો થયા બાદ ગુજરાતી ભાષા બોલનારા લોકોમાં વધારો થયો છે. ૨૦૦૧માં થયેલી વસતિ ગણતરી પ્રમાણએ ગુજરાતી ભાષાએ ભારત દેશમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ઉર્દૂને પાછળ પાડેને ૬ ક્રમ હાંસલ કર્યો હતો.
પરંતુ, ૨૦૧૧માં ૨૨ ભારતીય ભાષાઓની યાદીમાં ગુજરાતી ભાષાનો ક્રમ ૭મો રહ્યો હતો. પરંતુ ગુજરાતી ભાષા બોલતા લોકો ભારતભરમાં જુદા જુદા રાજ્યોમાં છવાયેલા છે. જોવા લાયક સ્થળોમાં ઘણા ગુજરાતીઓ જોવા મળે છે. જેમ કે, જમ્મુ-કાશ્મિરમાં કંઈક ૧૯,૨૬૧ લોકો તો ઉત્તર પ્રદેશમાં કંઈક ૧૪,૪૪૨ લોકો નોંધાયા છે. હિમાચલ પ્રદેશમાં ૧૦,૦૧૨ તો ગોવામાં ૬,૮૪૬ અને બિહારમાં ૮,૨૯૭ જેટલા ગુજરાતીઓની સંખ્યા જોવા મળે છે. ગુજરાતી ભાષાની બોલીની વાત કરીએ તો ગુજરો/ગુજરાઉ, પટણી, પોંચી, સૌરાષ્ટ્રી અને એ સિવાય બીજી કેટલીક બોલીઓનો સમાવેશ થાય છે.
ભારતમાં બોલાતી ભાષાઓની વાત જરા કરીએ તો ૧૯૬૧માં થયેલી વસતિ ગણતરી પ્રમાણે ૧,૬૫૨ ભારતીય ભાષાઓ ગણવામાં આવી હતી. પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા (PLSI) પ્રમાણે વર્ષ ૨૦૧૦માં ૭૮૦ ભારતીય ભાષાઓ ગણવામાં આવી હતી. યુનેસ્કોના અહેવાલ પ્રમાણે ૧૯૭ ભાષાઓ લુપ્ત થઈ છે અને ૪૨ જેટલી ભાષાઓ મરણસૈયા પર પડી છે. ભારત દેશમાં કુલ ૩૫ ભાષાઓમાં છાપાઓ બહાર પાડવામાં આવે છે. સૌથી ટોચની ભાષામાં હિન્દી, બંગાળી, તેલુગુ, મરાઠી અને તામિળ છે. ભારતનો ઓલ ઇન્ડિયા રેડિયો ૧૨૦ ભાષાઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.
સ્રોત:
- ગુજરાતી ભાષા બોલનારા લોકોની સંખ્યા (https://timesofindia.indiatimes.com/city/ahmedabad/age-of-the-mother-tongue-21st-century-bodes-well-for-gujarati/articleshow/64861636.cms)
- ભારતની સેન્સસ, 2001, 19 62, યુનેસ્કો, પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા 2010. (https://www.bbc.com/gujarati/india-41770978)
February 25, 2019 — magnon